Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : BJP takes control of taluka panchayat amid alleged kidnapping of AAP members in Chhota Udepur

VIDEO: છોટાઉદેપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા! 'આપ'ના 3 સભ્યોના કથિત અપહરણ વચ્ચે તાલુકા પંચાયત પર ભાજપનો કબજો

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે. પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો સળગતો આક્ષેપ ‘આપ’ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કોલેજના ગેટ પર ‘આપ’ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, આ તમામ આક્ષેપો અને વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવીને તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો છે.

App Store

સરખા સભ્યો હોવાથી જંગ રસપ્રદ બન્યો હતો

 છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હતા. બંને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. ‘આપ’ના તમામ 13 સભ્યો જ્યારે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા ત્યારે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

પોલીસની હાજરીમાં સભ્યોને ઉઠાવી ગયાનો ‘આપ’નો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાલુકા પંચાયત કેમ્પસમાં 10થી 12 બુકાનીધારી અસામાજિક તત્ત્વો પહેલેથી જ હાજર હતા. ‘આપ’ના સભ્યો જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ આ બુકાનીધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. અન્ય સભ્યોને માર મારીને તેમાંથી 3 સભ્યોને બળજબરીપૂર્વક ખાનગી વાહનોમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

‘આપ’ના નેતાઓ અને ભોગ બનનારના પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પરંતુ પોલીસે સભ્યોને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. સત્તાધારી પક્ષ ભાજપે સત્તાના જોરે, સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પોલીસની મિલીભગતથી લોકશાહીનું ખૂન કર્યું છે. ભોગ બનનાર પરિવારોએ પોલીસ સમક્ષ તેમના સભ્યોને તાત્કાલિક હાજર કરવાની ઉગ્ર માંગ કરી હતી.

ભાજપે આક્ષેપો નકાર્યા 

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ રાજકીય ઘમસાણ અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે જ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભાજપનો વિજય થયો છે. પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા ચૂંટાયા છે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવા વિજેતા બન્યા છે.

હાલમાં આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.