CHHOTA UDEPUR / તેજગઢના ગજાનન કુમાર છાત્રાલયમાં ગૃહપતિએ નશો કરીને મારતા 10 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ છોડી

CHHOTA UDEPUR NEWS : છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત શ્રીગજાનન કુમાર છાત્રાલયમાં ગૃહપતિ કેફી પીણું પીને માર મારે છે તેવો આક્ષેપ કરીને 10 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને જતાં રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ગૃહપતિએ બાળકોએ કરેલા આક્ષેપ ખોટા છે અને હોસ્ટેલના વિદ્યાર્થીએ તેમનું ગળું પકડી અને તેમની સાથે ખરાબ વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા છે.
તેજગઢ ખાતે શ્રીગજાનન કુમાર છાત્રાલય આવેલું છે, તેમાં 30 જેટલા કુમાર વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગૃહપતિ તેમને લાતો મારે છે અને જમવાનુ સારું આપવામાં આવતું નથી. આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા માટે સરકાર ગ્રાન્ટ આપે છે તેનું સંચાલન કરનાર સંસ્થાઓના માલિકો આદિવાસી બાળકોને ભોજન આપવામાં ગુણવત્તા જાળવતા નથી અને આદિજાતિ વિભાગના અધિકારીઓ નિયમ મુજબ છાત્રાલયોની મુલાકાત પણ કરતા નથી.
આદિવાસી બાળકોની સમસ્યા આદિજાતિ વિભાગના અધિકારીઓએ સાંભળવી જોઈએ અને આદિવાસી બાળકોને ગૃહપતિ માર મારતા હોવાની ગંભીર ફરિયાદો બાળકો કરતા હોય ત્યારે તંત્રના અધિકારીઓએ આ છાત્રાલયની મુલાકાત કરવી જોઈએ.
બાળકોની માંગ છે કે છાત્રાલયના ગૃહપતિ બદલવા જોઈએ 10 જેટલા બાળકો હાલ છાત્રાલય છોડીને જતાં રહ્યા હોવાનો બાળકો આક્ષેપ કરી રહ્યા છે. રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી છાત્રાલયમાં આદિજાતિ મંત્રી તપાસ હાથ ધરે તો ચોંકવનારી હકીકતો બહાર આવો શકે છે.

