હવે ગુજરાતમાંથી નકલી RAW અધિકારી ઝડપાયો,નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો હતો

બોટાદમાં નકલી RAW અધિકારી ઝડપાયો છે.બોટાદ LCBએ નકલી RAW અધિકારીની ઓળખ આપતા મહેશ ઇસામલીયા નામના શખ્સની ધરપકડ કરી છે. RAWનું નકલી ઓળખપત્ર બતાવીને નોકરીની લાલચ આપી હતી. નકલીકાર્ડ બનાવનાર અંકિત પરમાર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે ઘટના?
બોટાદમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ કિસ્મતભાઇ ઇસામલિયા પોતે RAW એજન્ટ હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. બોટાદ LCBને માહિતી મળી હતી કે બોટાદ શહેરના નાગલપુર દરવાજા નજીક મહેશ નામનો શખ્સ RAW એજન્ટ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરે છે. આ બાતમીના આધારે બોટાદ LCBએ ઘટનાસ્થળે પહોંચી RAW એજન્ટ તરીકેની ઓળખ આપનારા શખ્સને ઝડપી પાડ્યો હતો.
બોટાદ LCBએ મહેશની તપાસ કરતા તેની પાસેથી ડિફેન્સ એજન્સીના લોગોવાળું આઇકાર્ડ મળી આવ્યું હતું અને પત્રકારની ઓળખનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. બોટાદ DYSP અજીજ સૈયદ દ્વારા જણાવ્યું કે મહેશ પોતાને રો એજન્ટ તરીકેની ઓળખ આપી નોકરી વાચ્છુંક યુવાનોને નોકરી આપવાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરતો હતો. બોટાદ DYSPએ કહ્યું કે, આ ઇસમ દ્વારા જો અન્ય લોકો પણ છેતરાયા હોય તો બોટાદ પોલીસનો સંપર્ક કરે. હાલ બોટાદ પોલીસ દ્વારા નકલી RAW એજન્ટ તરીકેની ઓળખ આપનારા શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

