Botad news: પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત

બોટાદના ગઢડામાં યુવકને મધમાખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ પછી તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું કરૂણ મોત થયું હતું. દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
ગઢડામાં મધમાખી કરડવાથી યુવકનું મોત
મળતી માહિતી મુજબ, ગત રવિવારે(1 ફેબ્રુઆરી, 2026) બોટાદના ટીંબી ગામથી ગઢડા પરત આવતા નાસીર ઉર્ફે ફિરોજભાઈ ચૌહાણ નામના યુવકને તરસ લાગતા પાણી પીવા માટે એક પરબ બાઈક ઉભું રાખ્યુ હતું. આમ ખોપાળા ગામ નજીક પરબે પાણી પીવા જતાં અચાનક મધમાખીએ હુમલો કર્યો હતો.
મધમાખીના કરડવાની ઘટનાને પગલે યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, મધમાખીના ઝેરના રિએક્શનની ગંભીર અસરના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. યુવકના મોતને લઈને પરિવારમાં શોક છવાયો છે. પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો. યુવક હેર સલૂન ચલાવતો હતો.

