ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી: ભાજપે 5 બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર, પોરબંદરથી મોઢવાડિયા-વિજાપુરથી સીજે ચાવડાને આપી ટિકિટ

ગુજરાત વિધાનસભાની પાંચ પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટીકીટ મળી છે.ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. તો બીજી તરફ અરવિંદ લાડાણીને માણાવદરથી ટીકીટ આપવામાં આવી છે. લમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે.
વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર ઉમેદવારો જાહેર
ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. લોકસભાની ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે.
ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ
182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.
કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા હતા રાજીનામાં?
1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
5. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
6. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

