Video: નેત્રંગમાં બે વર્ષથી શાળાના નવા ઓરડા ન બનાવાતા ભૂલકાઓની ધીરજ ખૂટી, સૂત્રોચ્ચાર સાથે કરાઇ રજૂઆત
ભરૂચમાં નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાનું જર્જરીત મકાનને લઇ સ્થાનિકો રોષે ભરાયા હતા. નેત્રંગ તાલુકાના અંતરિયાળ સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડા બે વર્ષ પહેલા જર્જરિત હાલતમાં હોવાથી તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, નવા ઓરડાના નિર્માણ કાર્યમાં વિલંબ થતાં ધોરણ 1 થી 8 ના 101 વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે, અને તેમણે નેત્રંગ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
જર્જરીત ઓરડા બે વર્ષ પૂર્વે તોડી પડાયા હતા
નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સાકવા ગામ ની પ્રાથમિક પશાળામાં ધોરણ ૧ થી ૮ માં ૧૦૧ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના ઓરડા જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા તે બે વર્ષ પૂર્વે તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે જ વિધાર્થીઓને આચાર્ય-શિક્ષકો અભ્યાસ કરાવવા મજબુર બન્યા હતા.
વિધાર્થીઓ અને વાલીઓએ કર્યા સૂત્રોચ્ચાર
જોકે નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિધાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી.પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા તોડી પાડ્યાને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજદિન સુધી નવા ઓરડાની કામગીરી શરૂ નહીં કરતાં વિધાર્થીઓ-વાલીઓમાં ભારે અંસતોષ ફાટી નીકળ્યો છે. જેથી ભારે સૂત્રોચ્ચાર સાથે નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી. વિધાર્થીઓ-વાલીઓએ ભારે સુત્રોચ્ચાર સાથે માંગ કરતાં માહોલ વધુ ગરમાયો હતો.

