વાગરામાં યુવતીએ સોશિયલ મીડિયાની મિત્રતા પડી ભારે, શખ્સને કોલ-વીડિયો કોલની ના પડતાં દુકાનમાં ગોંધી દીધી

ભરૂચ જિલ્લાના વાગરામાં બ્યુટીપાર્લર ચલાવતી યુવતીએ સોશ્યલ મીડિયામાં બનેલા મિત્રને મેસજ અને વીડિયો કોલ નહિ કરવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના જ બ્યુટીપાર્લરમાં ગોંધી દીધી હતી. જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપતા જ તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુટીપાર્લરમાં ગોંધી
વાગરાની એક યુવતીને સોશ્યલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી. વાગરામાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટીપાર્લર ચલાવે છે. તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઇ ઓડ સાથે 15 દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી. તેઓ બંને અવાર નવાર મેસેજ અને વીડિયોકોલથી એક બીજા સાથે વાતચીત પણ કરતા હતા. પરતું કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહિ રાખવા અને મેસેજ કે કોલ નહિ કરવા જણાવ્યું હતું. જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટીપાર્લર ઉપર આવી દોડી આવ્યો હતો. યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટીપાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો.
પોલીસે છોડાવી
આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઇશ્વરભાઇ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી.જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતાં જ પીએસઆઈ એ.કે.જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી બ્યુટીપાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી પ્રકાશ ઓડની ધરપકડ કરીને તેના વિરૂધ્ધમા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમયસર ફરિયાદ કરવી જરૂરી
આ બાબતે વાગરા પીએસઆઈ એ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇ અન્ય યુવતીઓને કોઈપણ સોશ્યલ મીડીયા સાઇટ ઉપર કોઇ ઇસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવે તો આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય છે.

