Bharuch: પિલુદ્રામાં કેમિકલ યુક્ત ડસ્ટથી ખેડૂતોમાં રોષ, કંપનીના ગેટ પર કર્યો ઘેરાવ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા પંથકના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી કંપનીઓના બેફામ પ્રદૂષણને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે સમગ્ર પંથકમાં ધુમ્મસની સાથે અત્ર-તત્ર-સર્વત્ર વાદળી કલરની કેમિકલ યુક્ત ડસ્ટ જોવા મળતાં ખેતી અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેમિકલ યુક્ત ડસ્ટના પગલે ધરતીપુત્રોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ડસ્ટ ફેલાવવા બદલ ખેડૂતોએ પિલુદ્રા ગામની આજુબાજુ આવેલ બે કંપનીઓ – પાશ્ર્વનાથ કેમિકલ અને બોદલ કેમિકલ પર સીધા આક્ષેપો કર્યા છે. વાહનો, રોડ-રસ્તા, ઝાડ-પાન, ઘાસચારા અને ખેતીના પાક પર આ વાદળી કેમિકલ જોવા મળ્યું હતું. જેના કારણે જગતના તાત માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
ન્યાય મેળવવા માટે સવારથી જ ખેડૂતોના લોકટોળા કંપનીના ગેટ પર ઊમટી પડ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વેડચ પોલીસ અને પાદરા પોલીસનો કાફલો કંપનીના ગેટ પર તૈનાત રહ્યો હતો. કેમિકલ ડસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ધરતીપુત્રો સાંજના ચાર વાગ્યા સુધી ખાધા-પીધા વગર પોતાના ન્યાય માટે કંપનીના ગેટ પર ઝઝૂમતા રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કેમિકલ યુક્ત ડસ્ટના સેમ્પલ એકઠા કર્યા હતા.

