ભરૂચ: વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટરનું જર્જરિત મકાનની છત તૂટી પડતાં મોત, પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યના ભરૂચમાં નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની છત તૂટી પડવાથી મૃત્યુ થયું છે. વિશાલ વસાવા અને તેમનાં પત્ની અમિતા વસાવા જુમ્મા મસ્જિદની સામે આવેલી પાયોનીયર સ્કૂલ નજીકના તેમના વર્ષો જૂના મકાનમાં રાત્રે સૂવા માટે ગયા હતા. રાત્રે અચાનક મકાનની લાકડાની મોભ અને કાટમાળ ધરાશાયી થયો હતો.
દુર્ઘટનામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા
આ દુર્ઘટનામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવી હતી, દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી બાદ બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા
વિશાલ વસાવાને મોં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા. તેમનાં પત્ની અમિતાને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

