'વાવ'ના પાણી શરૂઆતથી જ કોંગ્રેસ માટે ઊંડા, સ્વરૂપજીની જીત પાછળ માવજીભાઈનો મોટો ખેલ!

Gujarat Vav By-Election Results 2024: બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.
વાવમાં ભાજપનું કમળ ખીલ્યું
વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 24માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,436 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3358 મત પડ્યા છે.
આ પણ વાંચોઃ વાવમાં મામેરું ના ફળ્યું! જુઓ કોંગ્રેસની હાર પર સાંસદ ગેનીબેન ઠાકોર શું બોલ્યા
ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો
ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.
વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા. દરમિયાન ભાજપમાંથી પરબત પટેલની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસમાંથી પાર્થી ભટોલે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા.
સ્વરૂપજીની મત ટકાવારીમાં વધારો
ઉલ્લેખનીય છે કે, સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. દરમિયાન તેમને હારનો સામનો કરવો પડ્યો અને કુલ 86912 મત મળ્યા હતા. તેની સામે 2024ની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની જીત થઈ છે અને અંદાજિત 92,129 જેટલા મતો મળ્યા છે. આમ પાછલી વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે તેમની મતોની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે. કદાચ તેમના પર ભાજપે વિશ્વાસ મુકવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, સ્વરુપજીના કારણે જ લોકસભામાં ગેનીબેનને વાવ બેઠક પર 2થી 3 હજાર જેટલા મતો ઓછા મળ્યા હતા. એટલે કહી શકાય કે સ્વરુપજીએ ગેનીબેનના મત કેટલાક અંશે કાપ્યા છે કે પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, ગેનીબેન ફેક્ટર સામે સ્વરૂપજીની જીત આખરે કેવી રીતે થઈ અને કયા મોટા પરિબળો કામ કરી ગયા એ વિગતવાર જાણીએ...
સ્વરૂપજી પર ભાજપે ફરી વિશ્વાસ મુક્યો
ચૌધરી-પટેલ સમાજના માવજીભાઈ પટેલે ભાજપ પાસેથી ટિકિટની માગ કરી હતી, પરંતુ ભાજપે વર્ષ 2022માં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોર પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આથી નારાજ થયેલા માવજીભાઈએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. કહેવાય છે કે, ભાજપે તેમને મનાવવાના ખૂબ પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ થયા હતા. ત્યાર બાદ ભાજપે મતદાન પહેલા માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
આ 5 નેતાઓને ભાજપે કર્યા હતા સસ્પેન્ડ
માવજીભાઈ ચતરાભાઈ પટેલ - વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી, બનાસ બેન્કના ડાયરેક્ટર
દલપતરામ પટેલ - ચેરમેન, ભાભર APMC
લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી(પટેલ) - પૂર્વ ચેરમેન, ભાભર APMC
દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલ - પૂર્વ ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, હાલમાં ડિરેક્ટર
જામાભાઈ ભુરાભાઇ પટેલ - પૂર્વ મહામંત્રી, સુઈગામ તાલુકો
ભાજપ વિરુદ્ધ નિવેદનબાજી શરુ થઈ
પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ માવજીભાઈએ ભાજપ વિરુદ્ધ નિવેદનબાજી શરુ કરી. બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજીભાઈ પટેલે પ્રચાર વખતે જાહેરમાં કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે. તેમણે ચિમકી પણ આપી હતી કે, હું ભાજપનો સૈનિક હોવા છતાંય ભાજપે મારી અવગણના કરી છે. પણ ભાજપને આ બધુંય ભારે પડશે. આ તરફ, ભાજપે વાવ બેઠક જીતવા મંત્રી-નેતાઓની ફોજ ઉતારી દીધી હતી.
આ પણ વાંચોઃ વાવમાં ગેનીબેનનો ગઢ તૂટ્યો : ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહની 2567 મતે હાર
વાવ જીતવામા માવજી પટેલનો રોલ ભાજપ માટે મહત્ત્વનો?
વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ પહેલા વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ અગાઉ 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. વર્ષ 1990માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ થરાદ બેઠક પરથી એકવાર અપક્ષ તરીકે પણ ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
રાજકીય વર્તુળોમાં પહેલેથી ચર્ચા હતી કે, 1990માં જનતાદળથી ચૂંટણી લડીને તે સમયના કૉંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ પટેલને હરાવીને વાવના ધારાસભ્ય બનેલા માવજીભાઇ પટેલ ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા અને લગભગ 30 વર્ષ બાદ ફરીથી ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. ત્યારે ભાજપને જીતાડવામાં તેમનું યોગદાન મહત્ત્વનું સાબિત થયું તેમ કહી શકાય છે. કોઈ પણ કેન્ડિડેટને જીતાડવા માટે ઘણા મોટા અંશે ખાસ કરીને રુરલ વિસ્તારોમાં જ્યારે ચૂંટણી યોજાતી હોય ત્યારે સમાજ તેની જીત પાછળ મોટો ભાગ ભજવતો હોય છે. રુરલ વિસ્તારોમાં મોટાભાગે સમાજના બેઝ પર જ ઈલેક્શનો લડવામા આવતા હોય છે. ત્યારે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામા કદાચ કોંગ્રેસે કાચુ કાઢ્યું હોય એવી ચર્ચા પહેલેથી જ હતી. કારણ કે સામાજિક વસ્તીની દૃષ્ટિએ જોવા જઈએ તો ગુલાબસિંહનો બેઝ અહીં નબળો દેખાતો હતો. અને બેઝ નબળો હોય અને બેટિંગ કરવા જાઓ તો તકલીફ પડે.
બેઝ વધારે મજબૂત કરવા માટે જ ભાજપે આ વિસ્તારના ઠાકોર સમાજને મહત્ત્વનો ગણતા સ્વરૂપજીને ટીકિટ આપી કારણ કે સ્વરૂપજીએ લોકસભા વખતે સતત મહેનત કરીને આ બેઠક પર ભાજપને પ્લસમા કર્યું હતું અને પોતાનો બેઝ પણ કેટલાક અંશે મજબૂત કર્યો હતો. દરમિયાન માવજી પટેલે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, શરુઆતથી જ માવજીભાઈ ભાજપ તરફી હતા પછી તેમણે બળવો કર્યો અને અપક્ષમાંથી ઉમેદવારી કરી એનો અર્થ એ ના થઈ શકે કે ભાજપની ઠાકોર સિવાયની બીજી મોટી ચૌધરી વોટબેંકમા ગાબડું પડી શકે. એવરેજ ભાજપનો ચૌધરી વોટબેંકનો જે ફીક્સ બેઝ છે એ તો એની સાથે રહેવાનો જ હતો, પરંતુ ભાજપથી જે રિસાયેલો કે અન્ય કોઈ કારણોથી ખફા વર્ગ સીધો કોંગ્રેસમાં ના જાય એ માટે માવજી પટેલને ભાજપે એક વિકલ્પ તરીકે ઉભા કર્યા હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી. આ વિસ્તારમાં મુખ્ય મોટા 2 હરીફ સમાજ છે. ઠાકોર અને ચૌધરી, ચૌધરી સમાજના જે મતો ઠાકોર સમાજના કેન્ડિડેટને નહોતા મળવાના એ સીધા રાજપૂતને મળે એવી પ્રબળ શક્યતાઓ દર્શાઈ રહી હતી. જેને જોતા માવજીભાઈની ભાજપે ગેમચેન્જર તરીકે પસંદગી કરી હોવાનું કહેવાય છે. અને એનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.

