GUJARAT ATSનું મોટું ઓપરેશન: ડીસાના ઢાબા પરથી પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસઓજીએ રાજ્યની સરહદ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા એક ખતરનાક શખસને ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલો આ આરોપી પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો.
ડીસાના ઢાબા પરથી બિક્રમજીતની ધરપકડ
મળતી માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ વોચ ગોઠવી ડીસાના એક હાઈવે પર આવેલા ઢાબા પરથી તેને દબોચી લીધો હતો.
આરોપી બિક્રમજીત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધો સંપર્ક ધરાવતા નેટવર્ક માટે કામ કરતો હતો. તે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. પાકિસ્તાની આકાઓના ઈશારે તે ભારતમાં અસ્થિરતા અને અસંતોષ ફેલાવવાના પ્રયાસોમાં સામેલ હતો.
સ્થાનિક યુવકોનું બ્રેઈન વોશિંગ
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ આરોપી માત્ર સ્મગલિંગ જ નહીં પરંતુ સ્થાનિક યુવકોને પોતાની ગેંગમાં ભરતી કરવાનું કામ પણ કરતો હતો. તે યુવાનોને ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોમાં જોડવા માટે પ્રોત્સાહિત કરતો હતો, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે તેમ હતું.
પંજાબ પોલીસને સોંપવામાં આવશે
ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાલ આરોપીના અન્ય સંપર્કો અને ગુજરાતમાં તેના રોકાણના હેતુ વિશે ઊંડી તપાસ કરી રહી છે. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિક્રમજીતને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

