VIDEO: પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. લાંબા વિરામ બાદ પાલનપુર, વડગામ અને દાંતીવાડા પંથકમાં વરસાદ ખાબકતાં ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. પાલનપુરમાં અંદાજે 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે પાલનપુર-અંબાજી હાઈવે પર કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ વડગામ પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી હતી. અહીં અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે દાંતીવાડા પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી અને અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી. એક તરફ વરસાદથી પાલનપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે, તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોના પાકને રાહત મળી છે. હવે આગામી દિવસોમાં બનાસકાંઠામાં મેઘરાજા કેવો મિજાજ રાખે છે તેના પર સૌની નજર રહેશે.

