Video: બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધુ પડેલા ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં ભારે તારાજી સર્જી છે. ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં થરાદ શહેર હજુ પણ પાણીમાં ગરકાવ છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઘણા સ્થળોએ પાણી ઓસર્યા નથી અને ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામ શરૂ કરી દેવામાં આવી છે.
રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં
કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 1.50 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા છે. ગામડાઓમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતો અને નાગરિકોની હાલત દયનીય
સુઇગામ, ભાભર, વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે. ખેડૂતોની વર્ષોની કમાણી પાણીમાં તણાઈ ગઈ છે અને ઘરવખરી પલળી ગઈ છે. આ જળપ્રલયે લોકોના જીવનને ભારે અસર કરી છે. બનાસકાંઠાની સાથે પાટણ જિલ્લાના સાંતલપુરમાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. પાટણમાંથી માત્ર ત્રણ કલાકમાં 3,000 થી વધુ ફૂડ કીટ તૈયાર કરીને ગામડાઓમાં મોકલવામાં આવી છે, જે સંપર્ક વિહોણા બન્યા છે. આ કીટ અસરગ્રસ્તો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે.
ભાભરના મેશપુરા થી રોડ રસ્તા બંધ
ભાભરના મેશપુરા રોડ પર ઢીંચણ સમા ત્રણ દિવસથી પાણી ભરાઈ જતાં રસ્તા બંધ થઈ ગયા છે. ગામડાઓમાં જવાના રસ્તા વચ્ચે મોટા ખાડા પડતાં ગામ લોકો આગળ કોઈ વાહન ના જાય તેવી સાવચેતી રાખી રહ્યા છે. તમામ રોડ રસ્તા બંધ થતાં સ્કુલ જતાં શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. ત્રણ દિવસથી લાઈટ મોબાઈલ સેવાઓ ઠપ્પ છે.

