Banaskantha: ડીસા પાલિકાનું ₹14.12 કરોડનું વીજબીલ બાકી, શહેરીજનો પર પાણીનું મોટું સંકટ
બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં પીવાના પાણીના બોરવેલોના વીજળી બિલની ₹14.12 કરોડ જેટલી અધધ રકમ બાકી હોવાથી શહેરીજનો પર પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વીજ કંપની દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સમયસર ચુકવણી ન થતાં આખરે કનેક્શન કાપી નાખવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
ડીસા નગરપાલિકા હસ્તક 35 કરતાં વધુ બોરવેલ કાર્યરત છે, જે સમગ્ર નગરજનોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ બોરવેલોનું દર મહિને આશરે રૂ. 40 લાખ જેટલું વીજબીલ આવે છે. જોકે, પાલિકા દ્વારા સમયસર બિલ ન ભરાતા બાકી રકમ દિવસ-પ્રતિદિન વધીને રૂ. 14.12 કરોડ પર પહોંચી છે.
વીજ કંપની દ્વારા વારંવાર નોટિસો મોકલવામાં આવી છે. તાજેતરમાં ૩ ડિસેમ્બરના રોજ અપાયેલી નોટિસ બાદ પણ પાલિકાએ માત્ર રૂ. 25 લાખનો જ ચેક જમા કરાવ્યો હતો, જે બાકી રકમ સામે ઘણું ઓછું છે. આ સ્થિતિને લઈને પાલિકા સદસ્ય અને AAP નેતા વિજયભાઈ દવેએ પાલિકા તંત્ર પર આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "પાલિકા દ્વારા સ્વ-ભંડોળની આવકનો ઉપયોગ ગેરરીતિ અને અનઆવડત પ્રમાણે કરવામાં આવ્યો છે, જેના કારણે આટલું મોટું વીજ બિલ વધી ગયું છે. વીજ બિલ ભરવાની ક્યારેય દરકાર કરાઈ નથી, જાણે વીજળી મફત મળી રહી હોય." તેમણે વીજ કંપની પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, "એક સામાન્ય માણસનું એક મહિનાનું બિલ બાકી હોય તો કનેક્શન કાપવા જતા રહે છે, ત્યારે આટલી મોટી રકમ કઈ રીતે બાકી રાખી શકે?" જો કનેક્શન કપાઈ જશે તો તેની સીધી જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે, તેવી ચેતવણી તેમણે આપી હતી.
હવે બાકી રકમ તાત્કાલિક નહીં ભરાય તો પીવાના પાણીના બોરવેલોના વીજ કનેક્શન કાપવા સિવાય વિકલ્પ નહીં રહે. શહેરના પાણી પુરવઠા પર પડનાર અસરને લઈને નગરજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ મામલે ડીસા પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈએ જણાવ્યું હતું કે, વીજ કંપનીના બાકી વોટર વર્ક્સના બિલ છે જેની ચુકવણી નગરપાલિકાએ પ્લાન્ટ મેનરમાં આયોજન કરેલ છે અને ભાગરૂપે તાજેતરમાં 25 લાખ જેટલા પૈસા વીજ કંપનીમાં જમા કરાવ્યા છે આ ઉપરાંત નગર પાલિકા બીલોમાં ઘટાડો તે માટેના પણ એરજિસ ફિઝિયન્સીસના બિલના ઘટાડાના પ્રયાસો પણ કરે છે અને આગામી નગર પાલિકામાં ક્રમિક રીતે બાકી વીજ બિલો ચૂકવણા માટે પ્રતિબદ્ધ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી પાલિકા વીજ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવતી હોવાથી નગરપાલિકાના પાપે આવનાર સમયમાં લોકોને પાણી વિના રહેવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા હાલ તો તંત્રના દાવાઓથી દેખાઈ રહી છે જેને લઈ શહેરીજનોમાં ચિંતા પણ વધી છે.

