Video: બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યું કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ, સરકાર સામે કર્યા આ આક્ષેપ
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર આવ્યા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યું છે. સરકાર સહાય ચુકવવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક કેશડોલ ચૂકવવા માંગ કરી છે.
સરકાર સહાય ચુકવવામાં નિષ્ફળ ગઈ
બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતા અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. સરકાર દ્વારા સહાયની માત્ર ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. પૂરગ્રસ્તો સહાય મેળવવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યું છે અને સરકાર સહાય ચુકવવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
એક અઠવાડિયા બાદ પણ પૂર પીડિતોને સહાયથી વંચિત
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનોએ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને પૂરપીડિતો સાથે મુલાકાત કરી સરકાર સામે સહાયનો મુદ્દો ઉઠાવવાની બાહેંધરી આપી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અહીં બે દિવસ રોકાયા છતાં હજુ પુર પીડિતોને સહાય મળી નથી. એક અઠવાડિયા બાદ પણ પૂર પીડિતોને સહાય મળી નથી. તાત્કાલિક તેઓને કેશડોલ સહિતની સહાય ચુકવવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.

