VIDEO: શામળાજીમાં વીજ ટ્રાન્સફોર્મર પર કામગીરી દરમિયાન લાઈવ કરંટ લાગતા કર્મચારીનું નિધન
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા મહેરૂ ગામે વીજ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. ખેતીવાડી ટ્રાન્સફોર્મર પર કેબલ બદલવાની કામગીરી દરમિયાન 40 વર્ષીય ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સંજયભાઈ પટેલને અચાનક ભારે વીજ કરંટ લાગ્યો હતો. કરંટના આંચકાથી તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા, જે બાદ સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું છે. પ્રાથમિક આક્ષેપ મુજબ, ગેરકાયદે વીજ જોડાણના કારણે જ્યોતિગ્રામ લાઇનનો વીજપ્રવાહ ખેતીવાડી લાઇનમાં પરત ફરતાં આ હોનારત સર્જાઈ હતી. ઘટનાને પગલે UGVCL શામળાજી પેટા વિભાગ દ્વારા કટારા ધનજીભાઈ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે વીજ કર્મચારીના અચાનક અવસાનથી પરિવાર અને વીજ વિભાગમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

