ભાજપમાં ભડકો / ભીખાજી ઠાકોરના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાંથી 2000થી વધુ ભાજપ કાર્યકરોના રાજીનામાં

Lok Sabha Elections 2024 : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે મુશ્કેલીઓ વધી છે. પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જો કે તેમની અટકને કારણે ઉભા થયેલા વિવાદથી ભાજપે ભીખાજીની ટિકિટ પાછી ખેંચી શોભનાબેન બારીયાને ટિકિટ આપી.
ભાજપના નિર્ણય બાદથી ભીખાજીના સમર્થકોમાં ખુબ રોષ વ્યાપ્યો છે. ભીખાજીના સમર્થકો એવા ભાજપ કાર્યકરોએ પોતાની જ પાર્ટી સામે મોરચો મંડ્યો છે અને ભીખાજીને ફરી ટિકિટ આપવા માંગ કરી રહ્યાં છે.
2000થી વધુ ભાજપ કાર્યકરોએ આપ્યા રાજીનામા
હવે આ બાબતે મામલો ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાંથી 2000થી વધુ ભાજપ કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર વિસ્તારના કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. આ કાર્યકરો વિશાળ રેલી સાથે મોડાસામાં આવેલા કમલમ ખાતે પહોંચ્યા હતા અને સામુહિક રાજીનામા આપતા ભાજપમાં ભડકો થયો છે.
ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
ભીખાજીની ટિકિટ પાછી લઈ લેવામાં આવતા ભીખાજીના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. આજે ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓ સજ્જડ બંધ પાળી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. બે હજાર જેટલા સમર્થકો મોડાસામાં જિલ્લા કમલમ કર્યાલય ખાતે રેલી સ્વરૂપે આવી ભીખાજી ઠાકોરને જ્યાં સુધી ભાજપ ટિકિટ ન આપે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનું સમર્થકના આગેવાને જણાવ્યું હતું.

