Anand News: ખંભાતના ચકચારી રેપ વિથ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

આણંદમાં રેપ વિથ મર્ડરના ચકચારી મચાવનાર કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આણંદ જીલ્લાના ખંભાત તાલુકામાંથી સનસનીખેજ ઘટના સામે આવી હતી જેમાં ખંભાતના કાણિસા ગામે 7 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
કામનાથ મહાદેવ મંદિરની પાછળ પાણીના કાંસમાંથી અર્ધનગ્ન હાલતમાં દીકરીની લાશ મળી આવી હતી. નરાધમે બેસતા વર્ષના દિવસે બિસ્કિટ અપાવવાની લાલચ આપી બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી કાંસમાં નાખી દીધી હતી. આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ આ અંગે માહિતી આપી હતી. વર્ષ 2019ના બળાત્કાર અને મર્ડર કેસના આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસી સજા મળી છે. ખંભાતની સેશન્સ કોર્ટે આરોપીની વિકૃત માનસિકતા અને કૃત્યને અનુલક્ષીને ફાંસીની સજા ફટકારી છે.

