આણંદ-વડોદરાના લોકોને મોટી રાહત: તૂટેલા ગંભીરા બ્રિજને 'વૈકલ્પિક બ્રિજ' તરીકે પુનઃ શરૂ કરાશે

આણંદ અને વડોદરા જિલ્લાના હજારો લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તૂટી ગયેલા ગંભીરા બ્રિજને ફરીથી રીપેર કરીને ટૂંક સમયમાં જ વૈકલ્પિક ધોરણે શરૂ કરવામાં આવશે. નવા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં, લોકોની હાલાકી દૂર કરવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટીલ સ્ટ્રક્ચર માટે ₹9.12 કરોડ મંજૂર
સરકાર દ્વારા તૂટેલા બ્રિજને ફરીથી ઉપયોગમાં લેવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્ટ્રક્ચર થકી તૂટેલા બ્રિજને રીપેર કરીને હળવા વાહનો માટે શરૂ કરવા માટે ₹9.12 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ વૈકલ્પિક બ્રિજ પર હાલમાં માત્ર રાહદારીઓ અને બે પૈડાં વાળા વાહનોને જ પસાર થવાની મંજૂરી અપાશે. ભારે વાહનો માટે નવા બ્રિજની રાહ જોવી પડશે.
કેબિનેટ મંત્રીની મુલાકાત બાદ મળી મંજૂરી
આ નિર્ણય લેવા પાછળ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની સક્રિયતા કારણભૂત છે. કેબિનેટ મંત્રી બન્યા બાદ રમણભાઈ સોલંકીએ તૂટેલા ગંભીરા બ્રિજની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે મુખ્યમંત્રી સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરી હતી, જેમાં આખરે વૈકલ્પિક બ્રિજ માટેની મંજૂરી મળી ગઈ છે.
આ વૈકલ્પિક બ્રિજ શરૂ થવાથી નોકરિયાત વર્ગ અને રોજિંદા પ્રવાસીઓને મોટી રાહત મળશે, જેમને લાંબા સમયથી બંધ પડેલા બ્રિજના કારણે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી

