અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની પાછળ ઘુસી ગયો બીજો ટ્રક, એકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદ વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીકઆજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.
નડિયાદ તાલુકાના ચકલાસી ગામ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પસાર થાઈ છે. આજે રવિવારે વહેલી સવારે એક ટ્રક આગળ જતી હતી અને એક ટ્રક પાછળ જતી હતી તે આગળની ટ્રકમાં ઘૂસી ગઈ અને આ અકસ્માત સર્જાયો. પાછળ જે ટ્રક જતી હતી તેના કેબિનનો કચરગણ વળી ગયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ, જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
ઘાયલ બે વ્યક્તિઓ ટ્રકના કેબિનમાં ફસાયા હતા. અકસ્માતની જાણ થતા જ આણંદ ફાયર બિગેડની ટીમ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કટરની મદદથી કેબિનના પતરા કાપવામાં આવ્યા અને કેબિનમાં ફસાયેલ બંને વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગંભીર રીતે જાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી હતી.

