Amreli news: નકલી દૂધનો પર્દાફાશ કરતાં યુવરાજસિંહ જાડેજા પર હુમલો, પોલીસ ટેન્કર કર્યું જપ્ત

ગુજરાતમાં નકલી દૂધના કાળા કારોબારનો બેફામ કારોબાર થઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ દરમિયાન યુવરાજસિંહ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુરના અમનગર અને ખીરસરા ગામ વચ્ચે ટેન્કર માફિયાઓએ યુવરાજસિંહની ગાડીને નિશાન બનાવી તોડફોડ કરી હતી અને તેમના સાથીદારો પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ઘણા સમયથી યુવરાજસિંહ જાડેજા શંકાસ્પદ દૂધના રેકેટ પાછળ 'રેકી' કરી રહ્યા હતા. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે આવેલા 'દ્વારકેશ' નામના યુનિટમાંથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે.
આ બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી.
નકલી દૂધ માફિયાઓએ કર્યો હુમલો
યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, ટેન્કરને રોકવાનો પ્રયાસ કરતા માફિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે યુવરાજસિંહની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને તેમની સાથે રહેલા ડ્રાઈવર તથા મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જેમાં માફિયાઓની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે.
યુવરાજસિંહે સવાલ પૂછતા કહ્યું કે, 'જે ગામમાં એક બકરી પણ ન હોય, ત્યાંથી 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવે?.' આ ઘટનાએ સહકારી ડેરીઓ અને ખાનગી એકમો વચ્ચેના મિલીભગત પર મોટા સવાલો ઉભા કર્યા છે. ખાનગી યુનિટમાંથી નીકળેલું દૂધ સરકારી કે સહકારી ડેરી સુધી કેવી રીતે પહોંચે છે? શું આ દૂધ નકલી કેમિકલયુક્ત છે? શા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આટલા મોટા નેટવર્કથી અજાણ છે?
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્દપ ટેન્કરને કબજે લીધું
હુમલા બાદ તાત્કાલિક જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શંકાસ્પદ ટેન્કરને હાલ પોલીસ મથકે લાવી દેવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.

