Video/ જાફરાબાદના ભટ્ટવદર પાસે ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવકોના મોત, હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે રોષ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. જાફરાબાદના ભટ્ટવદર ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, નાગેશ્રી ગામના રહેવાસી રમેશભાઈ સાંખટ અને મનુભાઈ સાંખટ બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભટ્ટવદર નજીક ટ્રક સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનુભાઈનું રાજુલા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે રોષ
અકસ્માત પાછળ નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા માટીના પાળા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાઈવે પર બોક્સ કન્વર્ટનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. કામ શરૂ કરવાને બદલે તંત્ર દ્વારા માત્ર માટીના પાળા બનાવી દેવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી અહીં અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી 'નિંદ્રાધીન' હોય તેમ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

