VIDEO: Amreli / ખેડૂતોના હક માટે રાજુ કરપડા મેદાને, તુલસીશ્યામથી ખેડૂત સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ
ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યા છે ત્યારે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ ફરી એકવાર ખેડૂતોના હક માટે મેદાને ઉતરવાની જાહેરાત કરી છે. આવતીકાલ એટલે કે 19મી માર્ચથી તેઓ યાત્રાધામ તુલસીશ્યામ ખાતેથી ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરશે.
યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુભાઈ કરપડાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "તમામ રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતોને વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કરી રહી છે. ચૂંટણી સમયે ખેડૂતોની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી." તેમણે ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતનો અહેસાસ કરાવવામાં આવે. દરેક ખેડૂતના ખેતર સુધી સિંચાઈ માટે પૂરતું પાણી પહોંચે, ખેતીના પાકોના યોગ્ય અને સચોટ ભાવ મળી રહે અને ખેડૂતો દેવાના વિષચક્રમાંથી બહાર નીકળે આ ત્રણ ખેડૂત સંકલ્પ યાત્રાના મુખ્ય મુદ્દાઓ છે. રાજુ કરપડાની આ યાત્રા 19મી માર્ચથી શરૂ થઈને 24મી માર્ચ સુધી સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં ફરશે.

