અમરેલી : જશવંતગઢમાં ઘરમાં ઘુસીને નાયબ મામલતદારની માતાની કરપીણ હત્યા

Amreli News : અમરેલી જિલ્લાના જશવંતગઢમાં અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસીને નાયબ મામલતદારની માતાની કરપીણ હત્યા કરી છે. આ સમગ્ર મામલે અમરેલી રૂરલ પોલીસે સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં લીમડાવાળી શેરી, રાજગોર ફળિયામાં રહેતા 64 વર્ષના મહિલા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસીને તેમની કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક મહિલાના પતિ ભાનુભાઇ નિવૃત્ત શિક્ષક અને પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલી નાયબ મામલતદાર હોવાનું જાણવા મળ્યું છે.
હત્યારો રીઢો ગુન્હેગાર હોય તેમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર ઘા મારી હત્યા નિપજાવી છે. હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

