VIDEO: અમરેલીના ચાંદગઢ સીમમાં વન વિભાગની ટીમ પર સિંહણનો હુમલો: ટ્રેકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના ચાંદગઢ સીમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગના ત્રણ ટ્રેકર્સની ટીમ જ્યારે પોતાના નિયમિત રૂટ મુજબ સીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી, ત્યારે અચાનક એક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને આ વિસ્તારમાં આવી પહોંચી હતી અને અચાનક સામે આવી જઇને ટ્રેકર્સ પર ત્રાટકી હતી.
સાથી ટ્રેકર્સે ગોસાભાઈને સિંહણના પંજામાંથી છોડાવ્યા
સિંહણના આ આકસ્મિક અને ઉગ્ર હુમલામાં વન વિભાગના ટ્રેકર ગોસાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, તેમની સાથે રહેલા અન્ય સતર્ક ટ્રેકર્સે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને ગોસાભાઈને સિંહણના પંજામાંથી હેમખેમ છોડાવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

