Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Farmer in Amreli reveals names of those who tortured him in video, family refuses to accept body

VIDEO: અમરેલીમાં ખેડૂતે ત્રાસ આપનારા લોકોના નામ વીડિયોમાં જાહેર કર્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો 

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. વડિયામાં વાડી-ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા આર્થિક અને માનસિક રીતે પરેશાન થયેલા મનસુખભાઈ સોજીત્રા નામના એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ઝેરી દવા પીધા બાદ ખેડૂતને ગંભીર હાલતમાં ગોંડલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતક ખેડૂતના પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહને વડિયા પોલીસ સ્ટેશને લાવીને હોબાળો મચાવ્યો છે.

App Store

ખેડૂતે ત્રાસ આપનારા લોકોના નામ વીડિયોમાં જાહેર કર્યા 

આત્મહત્યા કરતા પહેલાં મૃતક મનસુખભાઈ સોજીત્રાએ એક સનસનાટીભર્યો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આ મજબૂરી અને ત્રાસ આપનારા લોકોના નામ જાહેર કર્યા હતા. પિતાના અવસાન બાદ તેમનું પોસ્ટમોર્ટમ (PM) કરાવીને શોકાતુર પરિજનો ન્યાય મેળવવા માટે રાત્રિના આશરે નવ વાગ્યે મૃતક ખેડૂતનો શબ લઈને સીધા વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં DYSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ રાત્રે જ વડિયા પોલીસ સ્ટેશને દોડી આવ્યો હતો.

ખેડૂત પુત્રએ પણ મૂક્યા આરોપ 

મૃતક ખેડૂતના પુત્ર નિકુંજ સોજીત્રાએ વડિયા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, તેના પિતાએ વીડિયોમાં બાલાભાઈ સોજીત્રા અને તેમના પુત્રના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં આ બંને સિવાય અન્ય એક મહિલા અને એક પુરુષ પણ તેના પિતાને સતત માનસિક ત્રાસ આપતા હતા. પુત્રનો આરોપ છે કે જ્યારે તેઓ આ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવા માંગે છે, ત્યારે પોલીસ માત્ર વીડિયોમાં દેખાતા 2 જ નામો સાથે ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખી રહી છે અને અન્ય નામો ઉમેરવા માટે પુરાવા (પ્રૂફ) માંગીને ગલ્લાંતલ્લાં કરી રહી છે.

 

પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો 

નિકુંજ સોજીત્રાએ પોલીસ તંત્ર સામે આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે, "જો મારા પિતાએ વીડિયો ન બનાવ્યો હોત, તો શું પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો ન નોંધાત?" ખેડૂતના મોત બાદ પણ ફરિયાદ લેવામાં આડોડાઈ કરતી પોલીસ સામે પરિવારમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જ્યાં સુધી કથિત ત્રાસ આપનારા ચારેય વ્યક્તિઓ સામે સત્તાવાર ગુનો નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી શબ સ્વીકારવાનો ઇનકાર કરીને ખેડૂત પરિવારે લાશને પોલીસ મથકે જ મૂકી રાખી ન્યાયની ગુહાર લગાવી છે.

ટોપિક્સ:amreligstv newsgujarat state code