અમરેલી ભાજપના વિવાદને થાળે પાડવા ભાજપે આ મોટા નેતાને સોંપી જવાબદારી, કડક પગલાં ભરવાની તૈયારીમાં પ્રદેશ ભાજપ

સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બાદ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો પક્ષમાં જ આંતરિક વિરોધ થઈ રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારને લઈને ભાજપના સાંસદ નારણ કાછડીયાનું જૂથ અને અમરેલીના ઘારાસભ્ય કૌશિક વેકરીયાના સમર્થકો વચ્ચે માથાકૂટ અને મારામારી થઇ હતી. હવે ભાજપે અમરેલી બેઠક પર પક્ષમાં જ ઉભા થયેલા આંતરિક વિખવાદને ડામવા ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.
હકુભા જાડેજાને સોંપાઈ જવાબદારી
મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપે અમરેલી બેઠક પર ભાજપમાં ઉભા થયેલા વિવાદને થાળે પાડવા હકુભા જાડેજાને જવાદારી સોંપી છે અને હકુભા અમરેલી જવા રવાના થયા છે. ગત રાત્રે બનેલા બનાવની તપાસ કરી રીપોર્ટ પ્રદેશને સોંપવામાં આવશે. અમરેલી બેઠક પર ભાજપના બે જૂથ વચ્ચે થયેલી હિંસક ઘટનાની પ્રદેશ કક્ષાએથી ગંભીર નોંધ લેવામાં આવી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલાઓ સામે પ્રદેશ ભાજપ કડક પગલાં લેવાની તૈયારીમાં છે.

ભાજપના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી
મળતા અહેવાલ પ્રમાણે ભાજપના સાંસદ નારણ કાછડીયાનું જૂથ અને અમરેલીના ઘારાસભ્ય કૌશિક વેકરીયા સમર્થકો વચ્ચે માથાકૂટ અને મારામારી થઈ હતી. આ બન્ને જુથ વચ્ચે માથાકૂટ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ભાજપના કાર્યકરોના ટોળા હોસ્પિટલમાં ઉમટ્યાં હતા. અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરીયાને બદલીને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ઉમેદવાર તરીકે રજૂ કરવાની માંગ કરતા બે જુથો વચ્ચે બબાલ થઈ હતી.

