Amreli news: રત્નકલાકારોના બાળકોને અપાતી સહાયમાં ગોબાચારીનો આક્ષેપ, ખાનગી શાળાએ 25 લાખનો બારોબાર વહીવટ કરી નાખ્યો

રત્નકલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ખાનગી શાળા ઓળવી ગઈ હોવાના આક્ષેપ સાથે બાબરાના કરિયાણા ગામે 300 જેટલા રત્નકલાકારોએ હોબાળો મચાવ્યો છે. ખાનગી શાળાના સંચાલકો આશરે 25 લાખ જેટલી મોટી રકમનો બારોબાર વહીવટ કરી નાખ્યો હોવાનો આરોપ મુકાયો છે.
સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી : DEO
પ્રાપ્ત માહિતી મુજબ મંદીના કારણે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોને ભણતર માટે સહાય અપાઈ હતી. કરિયાણા ગામની ખાનગી શાળાના સંચાલકો આશરે 25 લાખ રૂપિયા ઓળવી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. 450 કરતા પણ વધુ વિદ્યાર્થીઓને સહાય અપાઈ હતી. સરકારે આપેલી સહાય ફી કરતા વધુ હોવાનું અને ફીની કોઈ પાકી પહોંચ આપવામાં નથી આવતી, માત્ર કાચા કાગળ ઉપર રકમ જમા કરી કાપલી આપતા હોવાનું વાલીઓએ જણાવ્યું છે. ફીની વસૂલાત પરના રૂપિયા આપવા અથવા આવતા વર્ષની ફીમાં જમા કરવા રત્નકલાકારોની માંગ છે. આ બાબતે અમરેલી કલેક્ટર અને જિલ્લા શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરાઈ છે. FRC પ્રમાણે જ ફી લેવાતી હોવાનું શાળાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હોવાનું DEO એ જણાવ્યું છે.

