Ahmedabad: જન્મદિવસની ઉજવણી બની કાળ, બાવળા-બગોદરા હાઇવે પર Hit and Runમાં યુવાનનું મોત

અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા-બગોદરા હાઇવે પર એક વધુ દુઃખદ હિટ એન્ડ રનની ઘટના બની છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. કલ્યાણગઢ ગામના પાટીયા નજીક રાત્રિના લગભગ 10 વાગ્યે અજાણ્યા વાહનએ બાઇકને જોરદાર ટક્કર મારી, જેના કારણે 24 વર્ષીય યુવાન રણજીત ધીરુભાઈનું(ઉંમર 24 વર્ષ )ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. વધુ દુઃખદ એ છે કે આ અકસ્માત રણજીતના જન્મદિવસના દિવસે બન્યો, જેથી તેના પરિવાર અને મિત્રોમાં અપાર દુઃખ અને ગુસ્સો વ્યાપી ગયો છે.
રણજીત અને તેના મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર રણજીતને અચાનક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. બગોદરા પોલીસ સ્ટેશનને ઘટનાની ખબર મળતાં તપાસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી રણજીતના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓએ એક જ દિવસમાં પોતાના યુવાન દીકરાનો જન્મદિવસ અને મૃત્યુ બંને જોયા. સ્થાનિક સમુદાયમાં પણ આ ઘટનાને લઈને શોક અને ગુસ્સો વ્યાપી ગયો છે.

