Ahmedabad news: વિધાર્થીઓનું રક્ષણ કરવા સક્ષમ ન હોય તો શા માટે શાળા ચાલુ રાખવી?, વાલી એસો.ની અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં સગીર વિદ્યાર્થીની હત્યાના મામલે શાળાના સમર્થનમાં કાર્યવાહી ન કરવા કેટલાક વાલી એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઇકોર્ટે વાલી એસોસિએશનની અરજી સાંભળવા સ્પષ્ટ ઈનકાર કરતા ત્રણ અરજીઓ ફગાવી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, વિધાર્થીઓનું રક્ષણ કરવા શાળા સક્ષમ ન હોય તો શા માટે શાળા ચાલુ રાખવી
જોહુકમીથી પગલા લેવાયા હોવાની શાળા સંચાલકોની રજૂઆત
અરજીમાં ડીઈઓ અને સરકારની જોહુકમીથી પગલા લેવાયા હોવાની શાળા સંચાલકોએ રજૂઆત કરી હતી. શાળા સંચાલકે કહ્યું કે, અમને કોઈ જાણ કરવામાં નથી આવી અથવા કોઈ ખુલાસા અમારી પાસે માંગવામાં આવ્યા નથી. વર્ષ 1987થી શાળા અમલમાં છે અને 2025માં આ ઘટના બની અને એક ઘટનાને ધ્યાને લઈને માઇનોરિટી શાળા હસ્તક ન લઈ શકાય.
સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ અંગે રાહત માગતી અરજી કોર્ટે ફગાવી
હાઈકોર્ટે સવાલ કર્યો કે, જે માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટની તમે વાત કરો છો, તમે ક્યાંય લખ્યું છે કે શાળા માઇનોરિટી છે? આ તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, આ શાળાના શિક્ષકો આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેતા નથી અને શાળા સંચાલકોને એવું કહેતા શરમ પણ ન આવી કે આ ઘટના ગંભીર નથી. હાઈકોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ લઈ શકાય નહીં અને સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ અંગે રાહત માગતી અરજી કોર્ટે ફગાવી છે. આ મામલે મે મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે.

