Gujaratના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી ડૉ. પંકજ શાહનું 82 વર્ષની વયે અવસાન

ભારતના અને ગુજરાતના જાણીતા અને અત્યંત આદરણીય કેન્સર ફિઝિશિયન પદ્મશ્રી ડૉ. પંકજ શાહનું આજે ગુરુવારે (2 જુલાઈ 2026) સવારે દુખદ અવસાન થયું છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી અવિરત તબીબી સેવા અને માનવતાના કાર્યો કરનાર ડૉ. પંકજ શાહના નિધનથી મેડિકલ ક્ષેત્ર અને સામાજિક સંગઠનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ગુરુવારે યોજાયેલી તેમની અંતિમ યાત્રામાં (સ્મશાન યાત્રા) સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને અનેક મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડૉ. પંકજ શાહની અંતિમ વિદાય વેળાએ ઝાયડસ કેડિલાના પંકજ પટેલ, જીસીસીઆઈ (GCCI) ના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી તેમજ રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી સહિતના ઉદ્યોગ અને વહીવટી જગતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. તબીબી ક્ષેત્રે ડૉ. પંકજ શાહનું અમૂલ્ય યોગદાન કાયમ યાદ રાખવામાં આવશે અને તેમનું નિધન એ સમાજ માટે એક ક્યારેય ન પુરાનારી ખોટ છે.
સેવા અને સન્માનથી સભર જીવન સફર
ડૉ. પંકજ શાહ માત્ર એક કુશળ તબીબ જ નહોતા, પરંતુ તબીબી વ્યવસાયને સેવાનું માધ્યમ બનાવનાર સાચા સેવક હતા. કેન્સર જેવા ગંભીર રોગની સારવારમાં તેમનું પ્રદાન અતુલનીય રહ્યું છે.
એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલના પૂર્વ નિયામક: તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પ્રતિષ્ઠિત એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલના નિયામક (ડાયરેક્ટર) પદેથી નિવૃત્ત થયા હતા.
સદવિચાર પરિવારના પ્રમુખ: નિવૃત્તિ બાદ પણ તેઓ શાંત ન બેઠા. સેવાના ભેખધારી બનીને તેમણે 'સદવિચાર પરિવાર મેડિકલ સેન્ટર'ની સ્થાપના કરી, જેના થકી હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રાહત દરે ઉત્તમ સારવાર અને નવું જીવન મળ્યું. અવસાન સમયે તેઓ સદવિચાર પરિવારના પ્રમુખ તરીકે કાર્યરત હતા.
રાષ્ટ્રીય સન્માન: તબીબી ક્ષેત્રે તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા 'પદ્મ શ્રી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તબીબી જગતનો સર્વોચ્ચ 'ડૉ. બી. સી. રોય એવોર્ડ' પણ તેમને એનાયત થયો હતો. તેઓ ગુજરાતના રાજ્યપાલના માનદ તબીબ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા હતા.
સેકન્ડ ઓપિનિયનના હંમેશા હિમાયતી
ડૉ. પંકજ શાહ માનતા હતા કે કેન્સરની સારવારમાં દર્દી અને તેના પરિવારને સાચું માર્ગદર્શન મળવું ખૂબ જરૂરી છે. તેઓ હંમેશાં 'સેકન્ડ ઓપિનિયન' (બીજા તબીબની સલાહ) લેવાના મજબૂત હિમાયતી રહ્યા હતા, જેથી દર્દી ખોટા ખર્ચા અને માનસિક તણાવથી બચી શકે. પચાસ વર્ષથી વધુની કારકિર્દીમાં તેમણે ક્યારેય વ્યાપારીકરણને હાવી થવા દીધું નહોતું.

