Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Waterlogging issue echoes in AMC meeting, MLAs confront officials

AMCની બેઠકમાં પાણી ભરાવાનો મુદ્દો ગાજ્યો, ધારાસભ્યોએ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું - 'આગામી ચોમાસા પહેલાં આયોજન પૂર્ણ કરો'

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
AMCની બેઠકમાં પાણી ભરાવાનો મુદ્દો ગાજ્યો, ધારાસભ્યોએ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું - 'આગામી ચોમાસા પહેલાં આયોજન પૂર્ણ કરો'
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં માત્ર અઢી ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હવે આ મુદ્દો સાંસદ-ધારાસભ્યોના સંકલન બેઠક સુધી પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકમાં શહેરના ચારથી વધુ ધારાસભ્યોએ વરસાદી પાણીના નિકાલની કામગીરી અંગે અધિકારીઓને સવાલો કર્યા હતા અને આગામી ચોમાસા પહેલાં એવી વ્યવસ્થા ગોઠવવા સ્પષ્ટ તાકીદ કરી હતી કે શહેરમાં કોઈપણ સ્થળે પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય. જમાલપુર, એલિસબ્રિજ અને વેજલપુર સહિતના વિસ્તારોની ચોક્કસ સમસ્યાઓ ધારાસભ્યોએ રજૂ કરી હતી.

App Store

AMCની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓને ઘેર્યા

જમાલપુરના ધારાસભ્યએ કોટ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનો મુદ્દો ઉઠાવતા જૂની ડ્રેનેજ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અંગ્રેજોના સમયગાળામાં બનાવવામાં આવેલી ગટર લાઇનોની ક્ષમતા એવી હતી કે 20 ઈંચ જેટલા વરસાદમાં પણ કોટ વિસ્તારમાં પાણી ભરાતું નહોતું. જો કે, આટલા વર્ષોમાં પ્રથમ વખત ત્રણ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

ધારાસભ્યએ આ સ્થિતિ પાછળ નદીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને પણ એક કારણ ગણાવ્યું હતું. શહેરના વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અને નદી સાથેના જોડાણ અંગે તંત્રએ વધુ અસરકારક આયોજન કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.

પાલડીના 10 આઉટફ્લો બંધ હોવાનો મુદ્દો ઉઠાવ્યો

એલિસબ્રિજના ધારાસભ્યએ પણ વરસાદી પાણીના નિકાલ સાથે જોડાયેલી મહત્ત્વની સમસ્યા સંકલનની બેઠકમાં રજૂ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, રિવરફ્રન્ટ વિસ્તારમાંથી આશરે 10 જેટલા આઉટફ્લો સાબરમતી નદીમાં ખુલે છે. પાલડી અને આસપાસના વિસ્તારોનું વરસાદી પાણી આ આઉટફ્લો મારફતે નદીમાં જાય છે.

એક મહિના અગાઉની સંકલનની બેઠકમાં જ આ આઉટફ્લોની યોગ્ય સફાઈ અને ડીશિલ્ટિંગ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ કામગીરી સમયસર થઈ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વરસાદ દરમિયાન તેમણે ઇજનેર વિભાગના અધિકારીને સાથે રાખીને સ્થળની સ્થિતિ બતાવી હતી અને આ 10 આઉટફ્લોમાં પાણીનો પ્રવાહ ન હોવાનું રજૂ કર્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, જો અગાઉથી આ આઉટફ્લોની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી હોત તો પાલડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઓછી થઈ શકી હોત.

વેજલપુરમાં ફરી ડેડિકેટેડ સ્ટ્રોમ વોટર લાઇનની માગ

વેજલપુરના ધારાસભ્યએ પણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વેજલપુર માટે ડેડિકેટેડ સ્ટ્રોમ વોટર લાઇનની ફરીથી માંગણી કરી હતી, જેથી વરસાદ દરમિયાન પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા થઈ શકે અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય.

ધારાસભ્યોએ પણ પાણીનો મુદ્દો ઉઠાવ્યો

સંકલનની બેઠકમાં ધારાસભ્યોએ તેમના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. અલગ-અલગ વિસ્તારોની સ્થાનિક સમસ્યાઓ સાથે વરસાદી પાણીના નિકાલ માટેની સમગ્ર વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

મોટાભાગના ધારાસભ્યોએ કહ્યું-'આગામી ચોમાસા પહેલાં જ આયોજન પૂર્ણ કરો'

મોટાભાગના ધારાસભ્યોએ મ્યુનિસિપલ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ માત્ર તાત્કાલિક કામગીરીથી ન આવે, પરંતુ અત્યારથી જ આગામી ચોમાસા માટે આયોજન કરવામાં આવે. આગામી વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇન, આઉટફ્લો અને પાણીના નિકાલ સાથે જોડાયેલી જરૂરી કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કોઈપણ સ્થળે ફરી પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય.