VIDEO: બગોદરા- ધોળકા હાઈવે પર પીકઅપવાન પલ્ટાઈ, 15 લોકો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે આવી જ એક દુર્ઘટના બગોદરા- ધોળકા હાઈવે પર ગત રાતે સર્જાઈ હતી.
ધોળકા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો
ધોળકા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના બગોદરા-ધોળકા હાઈવે પર મોડી રાત્રે ગાંગડ ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ચોટીલાના ભીમગઢ ગામના લોકો મીનાવાડા દર્શન કરી પરત ફરતા હતા ત્યારે પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાન પલટી મારી ગઈ.
પીકઅપ વાન પલ્ટાતા 15 લોકો ઘાયલ
આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા, જેમાંથી ચાર જણ, જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે, તેમને ગંભીર ઈજા થઈ.બગોદરા, બાવળા, ધોળકા અને ફેદરાની ચાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને તાત્કાલિક બગોદરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
10થી વધુ ઈજાગ્રસ્તોને ખસેડાયા સોલા સિવિલમાં
બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ડૉ. રાધનપુરી અને તેમની ટીમે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. ગંભીર ઈજાગ્રસ્ત દસ લોકોને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

