VIDEO: ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડી પડશે, નલિયા બન્યું ઠંડુંગાર
VIDEO: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો આક્રમક મૂડમાં આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશા બદલાતા હવે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. ખાસ કરીને નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો નીચો જશે.
પવનની બદલાતી દિશા અને તેની અસર
હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યમાં ઉત્તર-પૂર્વ (North-Easterly) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો સીધા હિમાલયના પહાડી વિસ્તારો તરફથી આવતા હોવાથી તેમાં ભેજ અને ઠંડકનું પ્રમાણ વધુ હોય છે. આ પવનોના કારણે જ વહેલી સવારે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. બપોરના સમયે આકાશ ચોખ્ખું રહેશે પરંતુ પવનમાં ઠંડક જળવાઈ રહેશે. તાપમાનમાં મોટા ફેરફારની શકયતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તાપમાનમાં ઘટાડો એકાએક નહીં આવે, પરંતુ તબક્કાવાર રીતે થશે. પ્રથમ તબક્કો (આગામી 5 દિવસ) આગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. એટલે કે અત્યારે જે પ્રકારની ગુલાબી ઠંડી છે તે જળવાઈ રહેશે.બીજો તબક્કો (5 દિવસ બાદ) પાંચ દિવસ પૂર્ણ થતા જ પવનની ગતિ તેજ બનશે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આ ઘટાડો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ જોવા મળશે.
નલિયા અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર
ગત 24 કલાકમાં કચ્છનું નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયામાં સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાન 5 થી 7 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા રહે છે. બીજી તરફ, અમરેલી (13.8 ડિગ્રી) અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના શહેરોમાં પણ રાત્રિના સમયે ઠંડીનું જોર વધ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગરની સ્થિતિ
રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે. આગામી સપ્તાહમાં અમદાવાદમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેના કારણે વહેલી સવારે વોકિંગમાં જતા લોકો અને વાહનચાલકોએ સાવચેતી રાખવી પડશે. હવામાનમાં થતા આ ફેરફારને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે હળવો તડકો અનુભવાશે આ મિશ્ર ઋતુને કારણે શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનના કેસો વધી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે.

