VIDEO: 'હું નથુરામ' નાટકનો અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ, NSUI અને યુથ કોંગ્રેસે સૂત્રોચાર કરી રોષ ઠાલવ્યો
રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ક્યાં થવાનો છે કાર્યક્રમ?
આજે 9 ફેબ્રુઆરીના રોજ સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક ભજવવાનું આયોજન છે. આ અગાઉ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર 'ગોડસે મુર્દાબાદ' અને 'ગાંધીજી અમર રહો' જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.

