VIDEO: અમદાવાદ ફ્લાવર શોનો રેકોર્ડબ્રેક દેખાવ: 15 દિવસમાં 5 લાખ મુલાકાતીઓ અને 5 કરોડની મબલખ આવક
VIDEO: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ વર્ષના ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાયણના પર્વ નિમિત્તે રજાનો આનંદ માણવા માટે લોકોએ ફ્લાવર શો પર પસંદગી ઉતારી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તરાયણના દિવસે માત્ર 24 કલાકમાં 78,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જેના કારણે કોર્પોરેશનને એક જ દિવસમાં 90 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે.
દેશભરમાંથી ઉમટી રહેલા પ્રવાસીઓ
આ ફ્લાવર શો માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતો મર્યાદિત રહ્યો નથી. અહીં જોવા મળી રહેલી વિવિધ કલાકૃતિઓ અને દુર્લભ ફૂલોને જોવા માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી શરૂ થયેલા આ શોમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી તંત્રને અત્યાર સુધી 5 કરોડ રૂપિયાની અધધ આવક થઈ છે.
શું કહેવું છે સત્તાધીશોનું?
આ અભૂતપૂર્વ સફળતા અંગે માહિતી આપતા AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "લોકોમાં ફ્લાવર શો પ્રત્યે ભારે ઉત્સાહ છે. ઉત્તરાયણના દિવસે જે રીતે ભીડ ઉમટી તે દર્શાવે છે કે આ આયોજન કેટલું સફળ રહ્યું છે. અમે પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ."
આગામી દિવસોમાં મુલાકાતીઓનો આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. આકર્ષક સ્કેલ્પચર્સ, વર્ટિકલ ગાર્ડન અને વિવિધ થીમ આધારિત ફૂલોનું ડેકોરેશન આ વર્ષના મુખ્ય આકર્ષણો છે.

