Ahmedabad News: શિક્ષકોએ બાળકો સામે શ્રીકૃષ્ણ લીલાનું નાટક રજૂ કર્યું, અનોખી જન્માષ્ટમીની ઉજવણી

પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ઉત્સવો આવે છે. જન્માષ્ટમીનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ મંદિરોમાં દિવસભર ભક્તોનો ધસારો રહે છે. ત્યારે સ્કૂલોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી થતી હોય છે. સાથે મટકી ફોડ જેવા કાર્યક્રમો પણ યોજાય છે. અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં હાસ્ય, સંગીત અને તાળીઓની ગૂંજ વચ્ચે પ્રી-પ્રાઇમરી શિક્ષકોએ પ્રી-પ્રાઇમરી તથા ધોરણ ૧થી ૪ના વિદ્યાર્થીઓ માટે શ્રીકૃષ્ણજી પર આધારિત નાટ્યપ્રસ્તુતિ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણજીની બાળપણ લીલાઓ અને સદભાવના ભરેલી ઘટનાઓને મનોહર અભિનય, રંગીન વેશભૂષા અને લાઇવ સ્ટૉરી ટેલિંગ દ્વારા રજૂ કરી બાળકોને કૃષ્ણની સાચી ઓળખ કરાવી હતી.

વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બે જાપાની શિક્ષકોએ ગરબો રજૂ કર્યો હતો. શાળાઓમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાળકોને શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે આપણી સનાતન સંસ્કૃતિથી બાળકો વાકેફ થાય તે જરૂરી છે.

