અમદાવાદ: ઓઢવમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલવા FSLની મદદ લેવામાં આવી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ મહાવીરબાગ સોસાયટીમાં ઘરમાં સૂઈ રહેલા ત્રણ યુવકો પર જ્વલનશીલ પદાર્થ નાખીને કોઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો.જેમાં શ્રવણ ગઢવી નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી.શ્રવણને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.અને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે..
શ્રવણ ગઢવી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે.અને તે છેલ્લા કેટલાક સમયથી અહીં ભાડે રહેતો હતો.એ.સી. રિપેરીંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શ્રવણની સાથે તેના રૂમમાં કેટલાક દિવસથી સતીદાન ચારણ અને શ્રેણીદાન ચારણ રહેતા હતા. ગત 28 ફેબ્રુઆરીના પરોઢિયે કોઈ અજાણ્યો શખ્સ તેમના પર જ્વલનશીલ પદાર્થ નાખીને પલાયન થઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે પણ પદાર્થ નાંખવામાં આવ્યો છે તેને ગરમ કર્યા બાદ ફેંકવામાં આવ્યો છે. હાલમાં ઓઢવ પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈને હત્યા માટે કયા જવલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.સાથે જ મૃતકના રૂમની બાજુમાં રહેતો ચંદુભાઈ શિહોર નામનો શખ્સ ફરાર છે. જેથી ક્યાંકને ક્યાંક આ બનાવમાં તેની સંડોવણી હોય શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.જે સંદર્ભે પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.

