દુષ્કર્મ પીડિત સગીરાના ગર્ભપાત મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ, જાણો શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતા સગીરાના 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મહત્વનો આદેશ આપ્યો છે. ગીર સોમનાથના નવા બંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે BNS અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ સગીરાના 22 સપ્તાહના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલે તપાસ બાદ સગીરાને 22 અઠવાડિયાનો ગર્ભ હોવાનું અને MTP એક્ટ મુજબ ગર્ભપાત કરી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું. હાઇકોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પીડિતાને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. અનિચ્છનીય ગર્ભ ધારણ કરવા મજબૂર કરવું માનસિક યાતના સમાન છે.
કોર્ટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલને તબીબી ટીમ બનાવી સુરક્ષિત રીતે ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. સાથે જ DNA તપાસ માટે જરૂરી ટિશ્યુ સેમ્પલ સાચવવાનો પણ આદેશ આપ્યો છે.

