'તબીબી અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધશે', 'TSI ગુજકોન 26'ની પ્રથમ વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ

ટેલિમેડિસિન ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે 'TSI ગુજકોન 26' નામથી અમદાવાદ ખાતે રાજ્ય સ્તરની પ્રથમ વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન ટેલિમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડિયા - ગુજરાત ચેપ્ટર દ્વારા કરાયું હતું. આ કોન્ફરન્સે તબીબી અને ટેકનોલોજી ક્ષેત્ર વચ્ચે સહકાર વધારવા અને આરોગ્ય સેવામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું.
આ કોન્ફરન્સમાં આશરે 150 જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો હતો. વિવિધ વૈજ્ઞાનિક સત્રો, પેનલ ચર્ચાઓ અને પ્રેઝન્ટેશન દ્વારા ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ અને સાયબર સિક્યુરિટી જેવા વિષયો પર વિસ્તૃત માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું. સ્ટાર્ટઅપ્સને પોતાના નવિન વિચારો અને પ્રોડક્ટ્સને મંચ પર રજૂ કરવાની અનોખી તક આપવામાં આવી હતી. જેનાથી નવિનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળ્યું.
આ કોન્ફરન્સમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો તથા સ્પેસ એપ્લિકેશનન્સ સેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેનરશીપ કાઉન્સિલ તથા અટલ કલામ ઇન્ક્યુબેશન સેન્ટરના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સથી શૈક્ષણિક તેમજ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂતી મળી.
આ કાર્યક્રમમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈ અને પ્રખ્યાત ટ્રાન્સપ્લાન્ટ સર્જન તથા ટેલિમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડો. સુનિલ શ્રોફે હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત અને ભારત સરકારના પ્રતિનિધિઓ તેમજ જાણીતા નિષ્ણાત ફેકલ્ટીઓને આમંત્રિત કરાયા હતા.

