ધોલેરામાં લઠ્ઠાકાંડ! બે લોકોના શંકાસ્પદ મોત; 20થી વધુ લોકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને યોગ્ય તપાસ કરાવવાની માંગ કરી છે.
ધોલેરામાં લઠ્ઠાકાંડ!
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરતા લખ્યુ, ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજદૂરના મૃત્યુ થયેલ છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાની કોશિશ થઇ રહી છે તેવા કેટલાક ફોન મારા ઉપર આવેલ છે. મુખ્યમંત્રી આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઇ ગરીબના વધુ મૃત્યુ ના થાય.
શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'અમદાવાદના DSPનો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ ખુબજ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .'
ધોલેરામાં બે લોકોના શંકાસ્પદ મોત
ધોલેરામાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત અને અન્ય એક સારવાર હેઠળ છે. ફેદરા 108 દ્વારા એકને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પીએ ધોલેરાાં બે લોકોના મોત ડૉક્ટરના જણાવ્યા અનુસાર ડીહાઇડ્રેશનના કારણે થયા હોવાનું જણાવ્યું છે. ધોલેરા ગામ સહિતના વિસ્તારોમાં લોકોમાં લઠ્ઠાકાંડ થયો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. ધોલેરામાં લઠ્ઠાકાંડની આશંકાને જોતા અનેક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

