અમદાવાદ સિવિલમાં સર્જિકલ ગ્લોવ્ઝ ખૂટી પડ્યા, આરોગ્ય વ્યવસ્થાની લાલિયાવાડી સામે મોટો સવાલ

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 350 દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરવાની આશા સાથે દાખલ થતા હોય છે. પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં સર્જિકલ ગ્લોવ્ઝનો સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. પાયાની તબીબી સામગ્રીની અછતના કારણે ઓપરેશન કરાવનારા દર્દીઓને સેપ્સિસ જેવો ગંભીર ચેપ લાગવાનું જોખમ ઊભું થયું છે. સ્ટોક ન હોવાને કારણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ એકવાર વપરાઈ ગયેલા ગ્લોવ્ઝને ધોઈને ફરીથી ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે.
નિયમોનું ઉલ્લંઘન અને તંત્રની ગંભીર બેદરકારી
મેડિકલ સાયન્સના પાયાના નિયમ મુજબ ઓપરેશન થિયેટર અને પ્રસૂતિ ગૃહમાં દર વખતે તદ્દન નવા અને સંપૂર્ણ સ્ટિરાઈલ (જીવાણુ રહિત) ગ્લોવ્ઝનો જ ઉપયોગ કરવો ફરજિયાત છે. આમ છતાં, છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલ તંત્ર દર્દીઓના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાનું વિશાળ બજેટ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સ્ટોકની કોઈ વ્યવસ્થા કેમ રાખવામાં ન આવી?ગાંધીનગરથી મેડિકલ સપ્લાય આવવામાં વિલંબ થયો છે કે પછી સ્ટોર વિભાગે સમયસર ઓર્ડર આપ્યો નહોતો? તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં ગ્લોવ્ઝનો થોડો ક્વોટા મળ્યો છે, પરંતુ વિશાળ વપરાશ સામે તે 'ઊંટના મોંમાં જીરું' સમાન છે, જેનાથી તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વ્યવસ્થાની લાલિયાવાડી સામે મોટો સવાલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓ માટે આશાનું કેન્દ્ર છે. પરંતુ જ્યારે રાજ્યના સૌથી મોટા શહેરની મુખ્ય હોસ્પિટલમાં જ આરોગ્ય સુવિધાઓ 'વેન્ટિલેટર' પર હોય, ત્યારે છેવાડાના વિસ્તારો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેટલી કથળેલી હશે તેની કલ્પના જ કરવી રહી. આટલી ગંભીર બેદરકારી બાદ પણ જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ તપાસ સમિતિનું નાટક રચીને મામલો ભૂલાવી દેવાશે, તે પણ એક મોટો પ્રશ્ન છે.
વપરાયેલા ગ્લોવ્ઝથી દર્દીઓના જીવને કેટલું જોખમ?
વપરાયેલા સર્જિકલ ગ્લોવ્ઝનો ફરીથી ઉપયોગ કરવાથી દર્દીઓ માટે અત્યંત ઘાતક પરિણામો આવી શકે છે:
-
સર્જિકલ સાઈટ ઈન્ફેક્શન: ઓપરેશન કે ઘાની જગ્યાએ બેક્ટેરિયા પ્રવેશવાથી ગંભીર ચેપ લાગી શકે છે.
-
સેપ્સિસ: જો આ ચેપ દર્દીના લોહીમાં ફેલાઈ જાય તો સ્થિતિ જીવલેણ બની શકે છે.
-
ક્રોસ ઈન્ફેક્શન: એક દર્દીના શરીરના સૂક્ષ્મજીવો કે ચેપ બીજા દર્દી સુધી સરળતાથી પહોંચી જાય છે.
-
માતા અને નવજાત શિશુને જોખમ: પ્રસૂતિ કે ગાયનેકોલોજિકલ પ્રક્રિયા દરમિયાન વપરાયેલા ગ્લોવ્ઝથી માતા અને નવજાત બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

