“મારા પિતા દોઢ મહિનાથી ગુમ, પોલીસ ફરિયાદ નથી નોંધતી”, હાઇકોર્ટમાં પુત્રએ કરી અરજી

દોઢ મહિનાથી ગુમ થયેલા પોતાના પિતાને શોધવા પુત્રએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી છે. અરજીમાં પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેના પિતા દોઢ મહિનાથી ગુમ હોવા છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી.
21 માર્ચથી ગાયબ છે યુવકના પિતા
હાઇકોર્ટ સમક્ષ હેબિયર્સ કોર્પસ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે તેના પિતા 21 માર્ચથી ગાયબ છે. 21 માર્ચે બપોરના સમયે પિતાએ યુવકની માતા સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદથી આજ સુધી પિતાની કોઈ ભાળ નથી.
અરજીમાં અરજદાર પુત્રએ એ પણ રજૂઆત કરી છે કે તેના પિતા દોઢ મહિનાથી ગુમ હોવા છતાં આ અંગે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી માટે તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યાં છે.
અગાઉ આંગડિયા પેઢીના વ્યક્તિઓએ ગોંધી રાખી માર માર્યો હતો
અરજદાર પુત્રએ પોતાની અરજીમાં હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું છે કે તેના પિતા આંગડિયા પેઢી ધરાવે છે. અગાઉ રૂપિયાની લેતીદેતી મુદ્દે અન્ય આંગડિયા પેઢીના વ્યક્તિઓએ તેના પિતાને ગોંધી રાખીને માર મારીને નાણાંની માંગણી કરી હતી. નાણાં ચૂકવ્યા બાદ જે તે સમયે પિતાનો છુટકારો થયો હતો. આ માહિતી મને અન્ય આંગડિયા પેઢી પાસેથી મળી છે.
હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં પોલીસ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે અને આ કેસની વધુ સુનાવણી 21 મેના રોજ રાખી છે.

