Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Singatel prices soar again, the compartment crosses Rs.3000; groundnut?

VIDEO: સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બો રૂ.3000ને પાર; મગફળીનું વિક્રમી વાવેતર છતાં ભાવ કેમ વધ્યા?

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Groundnut Oil Prices: ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વિક્રમી સ્તરે પહોંચ્યું હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ તેલબજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.30નો ઉછાળો નોંધાતા ભાવ રૂ.2970થી રૂ.3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. એક તરફ મગફળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ બજારમાં શોર્ટ સપ્લાયનું કારણ આગળ ધરીને ભાવ વધારાતા હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

App Store

સિંગતેલના ભાવમાં સતત વધારો

ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન રહ્યું હતું, ત્યારે સિંગતેલનો ડબ્બો રૂ.2400થી રૂ.2500ની આસપાસ મળતો હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં રૂ.500થી રૂ.600 સુધીનો વધારો થઈ ચૂક્યો છે. જન્માષ્ટમી પહેલાં તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવમાં આંશિક ઘટાડો કરીને ડબ્બો રૂ.2800થી રૂ.2850 કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ ફરી ભાવવધારો શરૂ થયો છે અને માત્ર ચાર દિવસમાં જ રૂ.70નો વધારો કરવામાં આવ્યો છે.

મગફળીનું વાવેતર વધુ, છતાં ભાવમાં ઉછાળો

ગુજરાતમાં મગફળીનું સામાન્ય વાવેતર આશરે 16.15 લાખ હેક્ટરમાં થાય છે. તેની સામે આ વર્ષે 20.68 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. એટલે કે સામાન્ય વાવેતરની સરખામણીએ આ વર્ષે વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે.

દેશમાં પણ મગફળીના વાવેતરનો વિસ્તાર વધ્યો છે. ગત વર્ષે દેશભરમાં આશરે 50.66 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 50.45 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

પૂરતો જથ્થો હોવા છતાં મોંઘવારી

બજારના જાણકારોના જણાવ્યા મુજબ ગત વર્ષની મગફળીનો જથ્થો હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે. બીજી તરફ નવરાત્રી બાદ નવા પાકની આવક પણ વધવાની શક્યતા છે. આમ છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

શોર્ટ સપ્લાયને ભાવવધારા પાછળનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ પૂરતો જથ્થો હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. બજાર વ્યવસ્થાપન (Market Management)ની ખામી અને ભાવને વાજબી સ્તરે જાળવી રાખવામાં તંત્રની નિષ્ફળતા અંગે પણ ચર્ચા થઈ રહી છે.

સામાન્ય પરિવારો પર મોંઘવારીનો બોજ

સિંગતેલના ભાવમાં સતત વધારાની સીધી અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર પડી રહી છે. અગાઉ તેલના ભાવમાં વધારો થાય ત્યારે લોકો વિરોધ નોંધાવતા હતા, પરંતુ હાલ મોંઘવારી સતત વધતી હોવા છતાં અસરકારક નિયંત્રણના અભાવે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. મગફળીનું વાવેતર અને ઉત્પાદન પૂરતું હોવા છતાં સિંગતેલના ભાવ રૂ.3000ને પાર પહોંચતા હવે સરકાર અને સંબંધિત તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.