અમદાવાદ: ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્ત્વના ખુલાસા થયા છે. આ ઘટનામાં બે સગીરોની સંડોવણી સામે આવી છે, જેમાં મુખ્ય આરોપીએ કટર કિચન નામના તીક્ષ્ણ હથિયારથી હત્યા આચરી હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે 15 લોકોના નિવેદન લીધા
ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો લીધા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી સ્ટાફ, મૃતક નયનના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સગીર છે અને તે શાહઆલમ વિસ્તારમાં તેના માતા-પિતા અને નાના ભાઈ સાથે રહે છે, છેલ્લા એક વર્ષથી કટર કિચન પોતાની પાસે રાખતો હતો. આ જ હથિયારનો ઉપયોગ કરીને તેણે 15 વર્ષીય નયનની હત્યા કરી હતી.
શું છે ઘટના?
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મુખ્ય આરોપીનો મૃતક નયનના પિતરાઇ ભાઇ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન નયન અને આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ હત્યા બાદ તેના મિત્ર સાથેની ચેટમાં આ ગુનો કબૂલ્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે નયનના "તું કોન હૈ, ક્યા કર લેગા?" જેવા શબ્દોથી ઉશ્કેરાઈને તેણે હુમલો કર્યો હતો.
મુખ્ય આરોપીના પિતા, જે મૂળ રાજસ્થાનના છે અને જમાલપુરમાં પતંગનો વ્યવસાય કરે છે, 20 વર્ષ અગાઉ ચોરીના કેસમાં પકડાયા હતા. આરોપી સગીર લાંબા સમયથી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, જ્યારે હત્યામાં મદદ કરનાર અન્ય સગીર ચાર મહિના પહેલાં જ આ સ્કૂલમાં જોડાયો હતો. આ સગીર અગાઉ સેટેલાઈટ વિસ્તારની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેના પિતાનું ચાર મહિના પહેલાં અવસાન થયું હતું.
આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને સ્કૂલના વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ પર બેદરકારીના આરોપો લગાવ્યા છે. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સિપાલની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત, આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, બંને સગીરોની પૂછપરછ ચાલુ છે અને તેમની માનસિક તેમજ શારીરિક સ્થિતિની તપાસ માટે મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવશે. આરોપીઓને 22 ઓગસ્ટે જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવશે, જ્યાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાશે.આ ઘટનાએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને શિસ્ત પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

