અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડાયો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કેલિયા વાસણા અને શેખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક શિક્ષિકાનો અર્ધ નગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ઘાતકી હત્યાનો હોવાનું જણાઈ આવતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હત્યારો અજાણ્યો ઈસમ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સરકારી વસ્તી ગણતરીના કામે આવ્યા હતા શિક્ષિકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલાની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ છે. તેઓ મૂળ બદરખા ગામના વતની હતા અને હાલ ધોળકાના બાલાજી સ્ક્વેર, કલીકુંડ ખાતે પરિવાર સાથે રહેતા હતા. રીનાબેન ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નજીક વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું અને તેની ઘાતકી હત્યા તેના જ શિક્ષક પતિએ કરી હોવાનો પર્દાફાશ થયો છે.
ઘરકંકાશમાં પત્નીને મોતના ઘાટ ઉતારી મૃતદેહને સળગાવી દીધો
મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાનું નામ રીનાબહેન ઝાલા હતું, જેઓ વ્યવસાયે શિક્ષિકા હતા. તેમનો પતિ બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને તે ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાશ ચાલતો હતો. આ જ કૌટુંબિક ઝઘડા અને કંકાશથી કંટાળીને શિક્ષક પતિએ પત્ની રીનાબહેનની હત્યા કરી નાખી હતી.
પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
હત્યા કર્યા બાદ પાપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે રીનાબહેનની મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈને સળગાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ હત્યા કેસ ઉકેલવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. શંકાના આધારે પોલીસે જ્યારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરીને તેની કડક અને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી, ત્યારે તે વધુ સમય ટકી શક્યો નહીં અને પોલીસ સામે ભાંગી પડ્યો હતો. બળદેવ ઝાલાએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. ધોળકા પોલીસે બળદેવ ઝાલાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બે બાળકો માતા વગરના થયા
એક શિક્ષિકા અને બે બાળકોની માતાની આ પ્રકારે હત્યા થતાં પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. અજાણ્યા હત્યારાનું પગેરું મેળવવા માટે ધોળકા પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને FSLની ટીમોને ઘટનાસ્થળે બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રીનાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને આ ગુના પાછળ કોનો હાથ છે, તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

