VIDEO: રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું, બસમાંથી મળ્યો જથ્થો
અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યોમાંથી લક્ઝરી બસનો મારફતે લાવવામાં આવતા અશુદ્ધ અને ભેળસેળયુક્ત પનીરના કારોબાર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આજે (21મી ઓગસ્ટ) વહેલી સવારે દરોડો પાડી મણિનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ‘લો ફેટ પનીર’નો 408 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો
મળતી માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મળેલી બાતમીના આધારે વહેલી સવારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મણિનગરના દેડકી ગાર્ડન પાસે આવેલા પાર્કિંગમાંથી અરુણાચલ પ્રદેશ રજિસ્ટ્રેશન ધરાવતી બે લક્ઝરી બસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ગાડીઓની તપાસ કરતા તેમાંથી 'લો ફેટ પનીર' તરીકે વેચાણ માટે લવાયેલો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જે લક્ઝરી બસવાળા આ પનીર અંદાજે 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપતા હતા, જ્યારે તેના પર 400થી 450 રૂપિયાની એમઆરપી લખેલી હતી. આ જથ્થાના લેબલ પરથી જાણવા મળ્યું છે કે તેનું ઉત્પાદન રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે આવેલું છે.
સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સીલ
પ્રાથમિક તપાસ મુજબ, ખરીદી કરવા આવેલા વેપારીઓ ફેરી કરીને અલગ-અલગ વિસ્તારોમાં આ પનીર સપ્લાય કરતા હતા. હાલમાં આ જથ્થો ક્યાં-ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની પૂછપરછ ચાલી રહી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ઉત્પાદક યુનિટ અને સ્થાનિક ખરીદદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

