નિકોલમાં મનપાના લોક દરબારમાં હોબાળો, રજૂઆતોને લઈને નાગરિકોમાં રોષ
નિકોલ વિસ્તારમાં યોજાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોક દરબાર દરમિયાન હોબાળાની ઘટના સામે આવી હતી. કાર્યક્રમમાં મેયર હિતેશ બારોટ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર હતા ત્યારે કેટલાક નાગરિકોએ પોતાની રજૂઆતોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કેટલાક લોકોને રજૂઆત માટે વારો ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો, જ્યારે અન્ય કેટલાક લોકોએ લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ એવી બની હતી કે કેટલાક નાગરિકો પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે સ્ટેજ તરફ દોડી ગયા હતા.
ઘટનાને પગલે થોડા સમય માટે કાર્યક્રમમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે, શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ હસ્તક્ષેપ કરીને નાગરિકોને સમજાવ્યા હતા અને માહોલને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન નાગરિકોની રજૂઆતો સાંભળ્યા બાદ મેયર હિતેશ બારોટે પણ સમસ્યાઓના નિરાકરણ માટે સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમણે જરૂરી હોય ત્યાં સ્થળ પર જઈને નિરીક્ષણ કરવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી.
લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ લઈને પહોંચ્યા હતા. હોબાળાની ઘટના છતાં અંતે નાગરિકોની રજૂઆતો સાંભળી સમસ્યાઓના ઉકેલ માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

