Rekhta Gujarati / સાહિત્યપ્રેમીઓ માટેનો ખજાનો હવે ગુજરાતીમાં

રેખ્તા ફાઉન્ડેશન ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે રેખ્તા ગુજરાતીના પ્રકલ્પની ગૌરવપૂર્વક જાહેરાત કરે છે.
રેખ્તા ફાઉન્ડેશને ઉર્દૂ, હિન્દી અને રાજસ્થાની ભાષાના વ્યાપક સાહિત્યનું જતન માળખાકીય સુવિધા દ્વારા કર્યું છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાતી સાહિત્યને આવરી લેવા માટે નવી ક્ષિતિજો વિસ્તારી રહી છે. આ પહેલના ભાગ રૂપે રેખ્તા ગુજરાતીની વેબસાઈટ અને ‘કિડ્સ લર્નિંગ ઍપ’નું લૉન્ચિંગ 20મી માર્ચ, બુધવારના રોજ અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હૉલ, લો ગાર્ડન ખાતે કરાશે.
રેખ્તા ફાઉન્ડેશન ‘rekhtagujarati.org’ની વેબસાઇટ અને ‘રેખ્તા કિડ્સ લર્નિંગ ઍપ’ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટેનું પહેલું ડગલું માંડશે. રેખ્તા ગુજરાતીની વેબસાઇટ પર મધ્યયુગથી શરૂ કરીને સાંપ્રત સમયના 800થી વધુ કવિઓની 4000થી વધુ કવિતાઓનો વૈવિધ્યસભર સંગ્રહ હોસ્ટ થશે. આમાં ગીતો, ગઝલ, છાંદસ અને અછાંદસ કવિતાઓનો સમાવેશ થાય છે. તેમાં ગુજરાતી સાહિત્યિક પરંપરાની સમૃદ્ધિ અને વિવિધતાને દર્શાવતા સંતસાહિત્ય અને લોકસાહિત્યનો પણ સમાવેશ કરાયો છે.
રેખ્તા ગુજરાતીનો હેતુ ગુજરાતી સાહિત્યને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવાનો છે. રેખ્તા ફાઉન્ડેશન સોશિયલ મીડિયા અને ટેક્નૉલૉજીના માધ્યમથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર કરવા માગે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ભાષાના જતનની હિમાયત પણ કરે છે.
રેખ્તા ગુજરાતીની ટીમ ગત દોઢ વર્ષથી આ પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો માત્ર લેખિત સ્વરૂપે જ નહીં, પરંતુ તેનાથી આગળ જઈને ડિજિટલ સ્વરૂપે સચવાય તેના માટે સાહિત્યિક કૃતિઓના ડિજિટાઇઝેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન, નડિયાદની એ. એસ. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી અને ભરૂચની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના પુસ્તકોને ડિજિટાઇસ કરવાનું કામ કર્યું છે. રેખ્તા ગુજરાતીએ આ સંશાધનોને વેબસાઈટ પર અપલોડ કરીને સામાન્ય લોકો માટે ઉપયોગી બનાવવાનું કામ કર્યું છે. આ કરવા પાછળ રેખ્તાનો ઉદ્દેશ ગુજરાતના સાંસ્કૃતિક ખજાનાની રક્ષા કરવી અને દુનિયાભરના સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવાનો છે.
રેખ્તા ફાઉન્ડેશનના સ્થાપક સંજીવ સરાફે આ પહેલ અંગે કહ્યું, ‘ગુજરાતી સાહિત્યનું ઉર્દૂ સાહિત્ય સાથે ઊંડું અને અવિભાજ્ય જોડાણ છે. જેના ઉદાહરણ વલી ડાકાની/વલી ગુજરાતી જેવાં વ્યક્તિત્વો છે. જેઓ બંને પરંપરાઓમાં સ્વીકૃતિ પામ્યા છે. ખૂબ જ ઉત્સાહ અને સમપર્ણની સાથે આ કાર્યને આગળ ધપાવવામાં જે લોકોએ અમારી મદદ કરી છે તેમનો અમે આભાર માનીએ છીએ.’
રેખ્તા ગુજરાતીના શુભારંભ સમારોહમાં આ સન્માનનીય વ્યક્તિઓ હાજર રહેશે : મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય મોરારિબાપુ, સન્માનનીય મહેમાન તરીકે અભિનેતા પરેશ રાવલ અને જાણીતા સર્જક રઘુવીર ચૌધરી, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિતના સન્માનનીય લોકોની સાથે રેખ્તા ફાઉન્ડેશનના સ્થાપક સંજીવ સરાફ પણ હાજર રહેશે. રેખ્તા ગુજરાતીનો પ્રારંભ જાણીતા ગાયક ઓસમાણ મીરની સંગીત સંધ્યા દ્વારા કરાશે. ગુજરાતી કવિ અને સંશોધક રઈશ મણિયાર આ કાર્યક્રમનું સંચાલન કરશે.
ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘રેખ્તાએ ઉર્દૂ અને હિન્દી સાહિત્યના જતન અને સંવર્ધન માટેની ઇકૉસિસ્ટમને સફળતાપૂર્વક સ્થાપિત કર્યા બાદ હવે ગુજરાતી માટેની પહેલ શરૂ કરી છે. મને રેખ્તા અને સાથે સાથે ગુજરાતના સંસ્કારી લોકોમાં પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ગુજરાતીની સાંસ્કૃતિક યાત્રામાં જે નવું ડગલું મંડાઈ રહ્યું છે તેને ખુલ્લા હૃદયે આવકારશે. હું રેખ્તા ફાઉન્ડેશનને તેમના નિષ્ઠાવાન પ્રયાસો માટે અભિનંદન પાઠવું છું અને લોકોને સાહિત્યની આ ચળવળનો ભાગ બનવા માટે વિનંતી કરું છું.’
રેખ્તા ગુજરાતી આગામી દિવસોમાં ઇન્ફૉર્મેશન ટેક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ગદ્ય, વાર્તાઓ, નિબંધો અને ઇન્ટરવ્યૂ જેવી અનેક બાબતોને વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષા અને સાહિત્યના રસિકો સુધી પહોંચાડશે.

