VIDEO: અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
અમદાવાદ શહેરના ચાણક્યપુરીમાં આતંક મચાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓનું પોલાસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે.
અમદાવાદમાં ચાણક્યપુરીમાં શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્ત્વોએ રવિવાર રાત્રે આતંક મચાવ્યો હતો. સોલા પોલીસે આતંક મચાવનારા પાંચ આરોપીને પોલીસે તલવાર સાથે પકડી પાડ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યા હતા. ફલેટમાંથી 12 બોટલ દારૂની મળી આવી હતી.
અસામાજિક તત્ત્વો સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી રવિ પટેલ પર અગાઉ ત્રણ પ્રોહિબીશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કુલ 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અલગ અલગ ત્રણ ગુનાઓ નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
ચાણક્યપુરીના શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજિક તત્ત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે, 'ભાડે રાખેલા મકાનમાં પાંચ લોકોએ દારુની મહેફિલ માણી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાની કોશિશ કરી હતી, તો ત્રણ વ્યક્તિ ભાગી જઈને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને બબાલ શરુ કરી હતી. જેમાં સિક્યુરિટીની કેબિન અને વાહનો નુકસાન પહોંચ્યું છે.'

